યુએસ પિઝા હોય કે પછી છાસવાલા ડેરી એન્ડ આઇસ્ક્રીમ બધી જગ્યાએ જમવામાંથી જીવાત નીકળે છે

Be it US Pizza or Chaaswala Dairy and Ice Cream, spirits are coming out everywhere.

ફૂડ શાખા આવા બનાવો બાદ જ કેમ કાર્યવાહી કરે છે ? અને જો નિયમિત ચેકિંગ થતું હોય તો આવી બેદરકારી કઈ રીતે આવી શકે ?

અમેરિકન નટસ બ્રાન્ડની આઇસ્ક્રીમમાં વંદો નિકળ્યો: ગ્રાહકે કંપનીના કસ્ટમર કેર સાથે વાત કરતાં કંપનીએ ગ્રાહકને ધમકાવ્યા: કોર્પોરેશનની ફૂડશાખાએ ફરિયાદના આધારે ચેકિંગ કર્યા પછી આઇસ્ક્રીમમાં જીવાત મળી આવી !! ત્યારબાદ ગઇકાલે રાત્રે જામનગર યુએસ પિઝા આઉટલેટમાં એક્સ આર્મી મેન પરિવાર સાથે પીઝા ખાવા ગયા ત્યારે પીઝા માંથી વંદો નીકળતા ફૂડ વિભાગને કરી ફરિયાદ !!!

જામનગર તા. 30
જામનગરમાં મોટાભાગના ખાણી-પીણીના ધંધાર્થીઓ સ્વચ્છતાની બાબતમાં અને ખાદ્ય ચીજોની કવોલીટીની બાબતમાં વિવિધ પ્રકારની બાંધછોડ અને ગેરરીતીઓ કરે છે. આમ છતાં કોર્પોરેશનની ફૂડશાખાની મીઠી નજર અને ગ્રાહકોની બેદરકારીને કારણે ધંધાર્થીઓની સીનાજોરી ચાલતી રહે છે. આ પ્રકારનો વધુ બે કિસ્સો બહાર આવ્યા છે. શુક્રવારે છાશ વાલા આઉટલેટમાં આઇસ્ક્રીમ માંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી ત્યાં ફરી એક વખત શનિવારે રાત્રે યુએસ પિઝામાં એક એક્સ આર્મીમેનનો પરિવાર પીઝા ખાવા ગયો ત્યારે પીઝા માંથી વંદો નીકળવાની ઘટનાથી ગ્રાહકો ધ્રુજી ઉઠ્યા છે.

છાશ વાલાની બનેલી ઘટના

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નં. 10માં શુભ એપાર્ટમેન્ટમાં છાસવાલા નામની ડેરી અને આઇસ્ક્રીમ પાર્લર આવેલું છે. જયેશ જોશી નામના એક ગ્રાહકે આ દુકાનમાંથી અમેરીકન નટસ નામનો આઇસ્ક્રીમ ખરીદ્યો હતો. આ આઇસ્ક્રીમના પેકીંગમાં વંદો જોવા મળતાં આ ગ્રાહક ધ્રુજી ગયા હતાં. બાદમાં આ ગ્રાહકે દુકાનદાર તથા કંપનીને પાઠ ભણાવવા માટે કંપનીના કસ્ટમર કેરના નંબરનો પણ સંપર્ક સાધ્યો હતો. કસ્ટર કેર નામનું રૂપાળુ નામ ધરાવતી આ કંપનીએ કસ્ટમરની કેર લેવાને બદલે આ વંદા બાબતે ગ્રાહકને ધમકાવ્યા હતા અને ગંદી ભાષામાં વાત કરી હતી. એવું ખુદ ગ્રાહકે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.
આ આખી બબાલ બાદ દુકાનદારને પાઠ ભણાવવા માટે રોષે ભરાયેલા આ ગ્રાહકે કોર્પોરેશનની ફુડ સેફટી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા પછી ફુડસેફટી શાખાના અધિકારીઓ છાસવાલા નામની આ દુકાને પહોંચ્યા હતાં. આ અધિકારીઓએ છાસવાલા દુકાનમાં તેના ડિપફ્રિજની તપાસ કરી હતી. જે ડિપ ફ્રીજમાં આઇસ્ક્રીમના મોટા મોટા ડબ્બા રાખવામાં આવ્યા હતા તે ડિપ ફ્રિજમાં જીવાત ધ્યાનમાં આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. આ આખા મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇ અધિકારીઓએ ત્રણ દિવસ માટે આ ડેરી પાર્લરને બંધ કરવાનો આદેશ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસ દરમિયાન સંપૂર્ણ ડેરી પાર્લરની સ્વચ્છતા કરવાની રહેશે. જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો રહેશે. અને આ ડેરી પાર્લરમાં જેટલા પણ લોકો કામ કરતા હોય તે તમામ લોકોના મેડિકલ ફિટનેસ સર્ટીફિકેટ કોર્પોરેશનની ફુડશાખામાં રજુ કરવાના રહેશે.

યુએસ પિઝામાં બનેલી ઘટના
જામનગરમાં શનિવારે રાત્રે એક એક્સ આર્મીમેનનો પરિવાર યુએસ પિઝામાં પીઝા ખાવા ગયો ત્યારે પીઝા માંથી વંદો નીકળવાની ઘટના સામે આવી હતી.જે બાબતને લઈને ગ્રાહક દ્વારા તેનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને આ સમગ્ર વિડિયો જામનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બતાવીને તેમને ફરિયાદ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી અને ફૂડ શાખા દ્વારા ત્યાં તપાસ કરતા તેમને કયા ચશ્મા પહેર્યા હોય એ રીતે ત્યાં એક પણ વંદો કે જીવાત જોવા મળી ન હતી. પરંતુ યુએસ પિઝા આઉટલેટ સંચાલક દ્વારા પૂરતું હાઈજીન જાળવવામાં આવ્યું ન હોય અને ચોકસાઈ ન હોવાના કારણે આવો બનાવ બન્યો હોવાનું ફૂડના અધિકારીઓએ જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને ફૂડ વિભાગ દ્વારા યુએસ પિઝા આઉટલેટને પાંચ દિવસ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી પ્રોપર હાઈજીન મેન્ટેન ન થાય ચોકસાઈ જાળવવામાં ન આવે કર્મચારીઓના મેડિકલ સર્ટિફિકેટથી લઈને તમામ પ્રકારની ખાતરી લેખિત બાંહેધરી આપવામાં ન આવે ત્યાં સુધી યુએસ પિઝા બંધ રાખવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

ફુડશાખાની તપાસો દરમિયાન, શહેરમાં સર્વત્ર સબ સલામત જોવા મળે છે !!!

જામનગર મહાનગરપાલિકાની ફુડશાખા થોડા-થોડા દિવસે મીઠાઇ-ફરસાણના ધંધાર્થીઓને ત્યાં, ડેરીવાળાઓને ત્યાં, બરફના કારખાનાઓમાં, ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં અને મીટ ચીકનની દુકાનોમાં ખાદ્ય પદાર્થોની કવોલીટી તેમજ સ્વચ્છતાના પાલન અંગે તપાસ કરતા રહે છે. આ તપાસ દરમિયાન કયારેય કોઇ જગ્યાએથી ગંભીર ક્ષતી અથવા ગેરરીતી ઝડપાતી નથી. અને તપાસને અંતે અધિકારીઓ સ્વચ્છતા જાળવવા સુચના આપવામાં આવી છે. એવું મીડિયા સમક્ષ વાત કરીને અથવા બે-ચાર ધંધાર્થીઓને ત્યાંથી નમુના લઇને અથવા પાંચ-પંદર કિલો વાસી અખાદ્ય ખોરાકોનો નાશ કરીને આવી દુકાનોએથી ચાલતી પકડી લે છે. કયારેય આ અધિકારીઓ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓનો ભેળસેળ સહિતનો કોઇ ગંભીર ગુન્હો પકડવામાં આવતો નથી. કયારેય દુકાનો સીલ કરવામાં આવતી નથી. કયારેય દુકાનદારોને દાખલારૂપ દંડ કે જેલ સજા થાય તે પ્રકારના કાગળો કરવામાં આવતા નથી. આમ તો ફૂડ શાખા અવારનવાર ચેકિંગના અને કામગીરીની મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ આ પ્રકારના ખાણીપીણી ચલાવતા દુકાનદારોના બેદરકારીના કિસ્સાઓ ફૂડ શાખાની કામગીરીની પણ પોલ છતી કરે છે..