MI vs CSK: અંતિમ બોલ પર મેચ જીતાડી ધોનીએ સાબિત કર્યું, કે ધોની ધોની છે

IPL 2022ની 33મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતું. તિલક વર્માના અણનમ 51 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 156 રન બનાવીને મેચ જીતી લીધો હતો.

અંતિમ બોલ પર મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચનો હીરો ધોની રહ્યો હતો.સતત છ મેચ હારી ચૂકેલી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ગુરુવારે તેની સાતમી મેચ રમી અને તેમા પણ તેને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો, કારણ હતું વિરોધી ટીમ CSK. તેમની સામે અનુભવી ખેલાડીઓથી સુશોભિત ચેન્નાઈ સુપર કિંગ્સ હતી, જેમણે પોતે તાજેતરમાં સીઝનની પ્રથમ જીત નોંધાવી હતી. આ બંને ટીમો IPLની સૌથી સફળ ટીમોમાં ટોચ પર આવે છે. મેચમાં મુંબઈને એકવાર ફરી હાર મળી અને ભારતીય ફેન્સની ખુશીની કોઇ સીમા ન રહી કારણ કે આ રોમાંચક જીત અપાવનાર બીજો કોઇ તેમનો ફેવરિટ ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો.

મુંબઈ ઈન્ડિયન્સ સામે, મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર એ જ ‘ફિનિશર’ સ્ટાઈલમાં દેખાયો જેના માટે તે તેની કારકિર્દીમાં જાણીતો છે. મુંબઈ સામે છેલ્લા 4 બોલમાં 16 રન ફટકારીને ધોનીએ તે જ કર્યું જે ચાહકો તેની પાસેથી અપેક્ષા રાખે છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે ફિનિશર ધોની યુવા ખેલાડી નથી પરંતુ 40 વર્ષનો ક્રિકેટર છે.મહેન્દ્ર સિંહ ધોની અને અંતિમ ઓવરની સ્ટોરી વર્ષોથી ચાલી રહી છે અને દરેક વખતે મહેન્દ્ર સિંહ ધોની આવી સ્થિતિમાં ટીમને મેચ જીતાડીને લઈ જાય છે. ગુરુવારે એકવાર ફરી ધોનીએ આવું જ કર્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રીજા બોલ પર સિક્સર અને ચોથા બોલ પર ફોર ફટકારી હતી. તે પછી ધોની 2 રન બનાવીને દોડ્યો અને છેલ્લા બોલે 4 રનની જરૂર હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર ફોર ફટકારી ટીમને મેચ જીત અપાવી હતી અને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. આ મેચ બાદ સોશિયલ મીડિયા પર મહેન્દ્ર સિંહ ધોનીને લગતા ટ્વીટનો પૂર આવ્યો હતો. ઘણા લોકોએ ટ્વીટ કર્યું કે, “સિંહ ભલે વૃદ્ધ હોય પણ શિકાર કરવાનું ભૂલ્યો નથી”, જ્યારે ઘણાએ ટ્વીટ કર્યું હતું કે, “જે ચિંતાને તલવારના તાકે રાખે છે તે મહેન્દ્ર સિંહ ધોની છે” આવી ઘણી ટ્વીટ સોશિયલ મીડિયા પર ચારેબાજુ જોવા મળી રહી છે.