જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા રોડ રસ્તાઓની કામગીરીને કારણે વારંવાર ચર્ચાઓમાં આવતી રહે છે, અનેક વખત કેટલાય જાગૃત નાગરીકો આ શાખાની કામગીરીની નગ્ન વાસ્તવિકતા સોશ્યલ મીડિયામાં છતાં કરતા રહે છે, તાજેતરમાં ડામરના પેચવર્કની કામગીરી થઈ રહી છે પણ તે કેટલાક સ્થળોએ લોટ પાણીને લાકડા જેવું કામ થયું છે તે વાત પણ ચોક્કસ છે, એવામાં વધુ એક સ્થળે ડામર ઉખડી ગયાની વાતનો સ્વીકાર ખુદ અધિકારીએ કરી રીપેરીંગ કરાવવાની વાત કરી છે,
ફરી એક વખત વિક્ટોરિયા પુલના ઉપરના ભાગે પટેલ ટ્રાવેલ્સથી વ્હોરાના હજીરા તરફ જતા રસ્તા પર સિમેન્ટનો બ્રીજ દેખાય છે ત્યાં સુધી મનપાની આ શાખા દ્વારા ડામર પાથરવામાં આવ્યો હતો પણ આ ડામર હાથમાં આવે તે રીતે ઉખડી જતો હોય તેવા વિડીયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા છે અને તેમાં ત્યાં હાજર લોકો તેને હાથથી ઉખેડતાં નજરે પડ્યા હતા.

સમગ્ર મામલે પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના નાયબ ઈજનેર રાજીવ જાનીને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ એવું કહ્યું કે ત્યારે તેઓએ કબુલ કર્યું હા ત્યાં ડામર પાથર્યો છે. અને હાલ આ સ્થળ પર ગ્રાઉટીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેવાઓએ કહ્યું સીસી રોડ પર બે લેયર કરવાના હોય તેમાંથી એક લેયર ડામરનો કરવાનો બાકી છે. જો કે તેવાઓએ પાણીના વધુ પ્રવાહને કારણે અહી ડેમેજ થયું છે તે વાતનો સ્વીકાર કરી અને હવે તે ઠેકેદારના ખર્ચે અહી સીસી પર ડામરનું વધુ એક લેયર કરી રીપેરીંગ કરવામાં આવશે.અને પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગ આ અંગે કોઈ બીલ મુકશે નહિ તેમ તેવાઓએ વાતચીતના અંતે જણાવ્યું હતું.