એશિયા કપ 2022 / પાકિસ્તાન સામેના મહાસંગ્રામ મેચમાં ભારતે લીધો બદલો, હાર્દિક-જાડેજાએ રંગ રાખ્યો

એશિયા કપ 2022માં આજે મહાસંગ્રામ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરિણામે પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 19.5માં ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના જવાબમાં ભારતીય ટીમનો 19.4 બોલમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ વિજયી છગ્ગો ફટકારી મેચ જીતાડી હતી.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી પ્રથમ ઓવરમાં વાઈસ કેપ્ટન કે.એલ રાહુલ 0 રનમાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો જે બાદ કેપ્ટન રોહિત શર્મા પણ 12 રન કરીને નવાઝનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી પણ સેટ થયા બાદ 35 રને આઉટ થઈ જતા ભારતીય ફેન્સોમાં નાખુશી છવાઈ ગઈ હતી. જોકે, અંતમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટીમની બાજી સંભાળી લીધી હતી અને ભવ્ય વિજય અપાવ્યો હતો. જાડેજા અને હાર્દિક પંડ્યાએ મેચ વિનિંગ 52 રન ભાગીદારી કરીને પાકિસ્તાનના હાથમાંથી મેચ ઝૂંટવી લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને જીત બદલ શુભેચ્છા પાઠવી

ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન

ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે તરખાટ મચાવી દીધો હતો. બંને મળીને પાકિસ્તાનના કુલ 7 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા હતા જેમાં ભુવનેશ્વર કુમારે 4 અને હાર્દિક પંડ્યા 3 વિકેટ ખેરવી હતી.