જમ્મુ કાશ્મીરથી બંધારણની કલમ 370 હટાવવાની વર્ષગાંઠ પહેલા પુલવામામાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં મજૂરોના એક ઘરની બહાર ગ્રેનેડ ફેંકવાની ઘટનામાં એક મજૂરનું મોત થઇ ગયું છે. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા છે. સેનાએ આ આખા વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે.

અત્યાર સુધી સામે આવેલી માહિતી અનુસાર, આ ઘટનામાં જે મજૂરનું મોત થયું છે, તે બિહારનો રહેવાસી મુસ્લિમ વ્યક્તિ છે. આ ઘટના એટલા માટે પણ મહત્વની છે કારણ કે કાલે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાની ચોથી વર્ષગાંઠ છે.

કેન્દ્ર સરકારે 370ને વર્ષ 2019માં 5 ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરમાં વિશેષ દરજ્જો આપનારી બંધારણની કલમ 370 હટાવી દીધી હતી. મૃતકની ઓળખ બિહારના રહેવાસી મોહમ્મદ મુમતાઝ તરીકે થઈ છે. ઇજાગ્રસ્તોની ઓળખ મોહમ્મદ આરીફ અને મોહમ્મદ મજબૂલ તરીકે થઈ છે. જેઓ બિહારના રામપુરના રહેવાસી છે. બંનેની હાલત સ્થિર છે.