Site icon Meraweb

જામનગર જિલ્લામાં રેલ્વેનાં આધુનિકીકરણની દિશામાં વધુ એક કદમ,રિલાયન્સના સાઈડીંગનું ઈલેક્ટ્રીફીકેશન

દેશભરમાં રેલ્વે સેવાને વધુ લોકભોગ્ય અને સુવિધાસભર બનાવવાના કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોના ભાગરૂપે રેલ્વે લાઈનોનું ઈલેક્ટ્રીફીકેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે જામનગર જિલ્લામાં રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા તેમના રેલ્વે સાઈડીંગનું પણ વિદ્યુતિકરણ કરીને રેલ્વેના આધુનિકીકરણ સાથે કદમ મિલાવ્યાં છે એમ ડીવીઝનલ રેલ્વે મેનેજર અશ્વનિકુમારે જણાવ્યું હતું.

રિલાયન્સ રેલ્વે સાઈડીંગ ખાતે યોજાયેલા એક ઔપચારિક સમારોહમાં ડી.આર. એમ. અશ્વનિ કુમારે રિલાયન્સના સાઈડીંગના ઈલેક્ટ્રીફીકેશનનું ઉદ્ઘાટન કરતાં જામનગર જિલ્લામાં થઈ રહેલી રેલ્વેની વિકાસલક્ષી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ધનરાજ નથવાણીના પ્રતિનિધીશ્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીના ‘વિકાસ ભારત – 2047’ના સ્વપ્નને સાકાર કરવામાં અમારું મેનેજમેન્ટ હંમેશાં સાથે રહેશે. રેલ્વે દ્રારા મળી રહેલ સહયોગ બદલ રેલ્વેનો આભાર માનતાં રેલ્વે દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ માળખાકીય પ્રોજેકટની સરાહના કરી હતી. રાજકોટ થી કાનાલૂસ સુધીના ટ્રેક ડબલિંગ પ્રોજેકટથી આ વિસ્તારને ઘણો લાભ થશે તેમ પણ જણાવ્યુ હતું.આ પ્રસંગે વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનના વરિષ્ઠ અધિકારીઓ તથા રિલાયન્સ ઈંડસ્ટ્રીઝના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.