Site icon Meraweb

વધુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે! ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી

Another round of rain is coming! Rain forecast for next 5 days in Gujarat

હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આજથી સમગ્ર રાજ્યના બધા જ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. હવે વરસાદની સિસ્ટમ ફરી બંધાઈ રહી છે. તેના કારણે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી થઈ છે. અમદાવાદ શહેરમાં આજે અમુક વિસ્તારમાં છાંટા વરસ્યા હતા. જુલાઈના વરસાદથી રાજ્યના ડેમમાં નવા નીર આવ્યાં છે. જેનાથી પીવાના અને ખેતી માટેના પાણીની ચિંતા ટળી છે. નર્મદા ડેમની સપાટી પણ 131 મીટરે પહોંચી ગઈ છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

રવિવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે છૂટાછવાયા ઝાપટાં પડતાં ગરમી અને બફારાથી રાહત મળી છે. તેમજ આગામી 48 કલાક દરમિયાન કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે, પણ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. રવિવારે અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ સર્જાયું હતું, કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને છૂટાછવાયા ઝાપટાં પડ્યાં હતા. અમદાવાદનું મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી નોંધાયું હતું. આગામી બેથી ત્રણ દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાં પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 70.07 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ સિઝનનો 117 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.46 ટકા વરસાદ થયો છે. સાથે સૌરાષ્ટ્રમાં 61.97 ટકા અને મધ્ય ગુજરાતમાં 61.65 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 56.86% વરસાદ નોંધાયો છે. ઉપરાંત અત્યાર સુધી રાજ્યના 251 તાલુકામાં વરસાદ થયો છે. જેમાંથી 31 તાલુકામાં 40 ઈંચથી વધુ, 89 તાલુકામાં 20થી 40 ઈંચ, 100 તાલુકામાં 10થી 20 ઈંચ અને 31 તાલુકામાં 5થી 10 ઈંચ વરસાદ થયો છે.

જુલાઈ મહિનામાં ગુજરાતમાં 70 ટકા વરસાદ નોંધાયો છે. આ વરસાદથી રાજ્યમાં પાણીની તંગી દૂર થવા પામી છે. રાજ્યના જળશયોમાં નવા નીર આવવાથી ખેતી અને પીવાના પાણીની ઘાત ટળી છે. રાજ્યમાં હાલમાં 90થી 100 ટકા ભરાયેલા 55 ડેમ હાઈએલર્ટ પર છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 6 ડેમ એલર્ટ પર છે. જ્યારે 18 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો હોવાથી વોર્નિંગ પર છે. તે ઉપરાંત 127 ડેમમાં 70 ટકા જેટલો પાણીનો જથ્થો છે. રાજ્યના જળાશયોમાં હાલ 66.87% પાણીનો જથ્થો છે. નર્મદા ડેમની સપાટી હાલમાં 131.73 મીટર પહોંચી ગઈ છે.