જામનગર મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો બજારમાં આવતા ભારે ચકચાર

જામનગર મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો બજારમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં મનપાના પાણીના ટાંકાના ઓપરેશન અને મેન્ટેનનસ સંબંધિત કામગીરી કરતા પેટા કોન્ટ્રાકટર તરીકે કામ કરતા વ્યક્તિએ બિલમાં સહી કરાવવા માટે 1.15 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો ધડાકો થયો છે.કયાં અને કોને કેટલા ચૂકવ્યાની કોન્ટ્રાકટની યાદી વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

.જેમાં તત્કાલીન ડેપ્યુટી એન્જિનિયર નરેશ પટેલના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.ત્યારે આ પ્રકરણની તપાસ થશે કે પછી જેવું દરેક પ્રકરણમાં થાય છે “તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ” જેવો ઘાટ સર્જાશે તે જોવાનું રહ્યું. જામનગર મહાનગરપાલિકા અનેક વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે મનપામાં બીલ મંજૂર કરાવવા માટે નાણાં ચૂકવવા પડતા હોવાનો કિસ્સો બજારમાં આવતા નવો વિવાદ સામે આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકાના શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીના ટાંકા આવેલા છે. આ પાણીના ટાંકાની મરામત, લાઇન લીકેજ, વાલ્વ રીપેરીંગ સહિતના કામ માટે વોટર વર્કસ શાખા દ્વારા કોન્ટ્રાકટ આપવામાં આવે છે. આટલું જ નહીં પાણીના ટાંકાના ફેરાના પણ કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે. આ કામમાં કોન્ટ્રાકટરે કરેલા કામના બીલ પાસ કરાવવા માટે વહીવટ આપવી પડતી હોવાનું છતું થઇ ગયુ છે. જેમાં કોન્ટ્રાકટરે કયાં પાણીના ટાંકાના કર્મીને કેટલા નાણાં ચૂકવ્યા તેની યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.જે અનુસાર મનપાના સમર્પણ, રણજીતનગર, શંકરટેકરી, સોલેરીયમ, વિનાયક ટાંકો, ગુલાબનગર, બેડી, માધાપર ભુંગા, ગોકુલનગર, મહાપ્રભુજી બેઠક સહિતના ટાંકાના કયાં કર્મીને કેટલા નાણાં બીલમાં સહી કરવા ચૂકવ્યા તેનો ઉલ્લેખ છે. આ યાદી મુજબ 9 પાણીના ટાંકાના 21 કર્મીને મળી કુલ રૂ.1.15 લાખ ચૂકવ્યાનો નામ જોગ ઉલ્લેખ કરાયો છે. સોશિયલ મીડિયામાં મનપાના પાણીના ટાંકાના કર્મીઓના નામ સામે કેટલી રકમ ચૂકવાઇ તેનો ઉલ્લેખ સાથેની યાદી વાયરલ થતાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

બીજી તરફ જો અધિકારીનું માનવામાં આવે તો તેના જણાવ્યા અનુસાર જે તે આક્ષેપ કરનાર વ્યક્તિ છે તે એજન્સી સાથે રહી અને ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી કરતતો હતો અને એજન્સી સાથે તેમને કોઈ આર્થિક રીતે મતભેદ ઊભા થતા તે અધિકારીઓને ધમકાવી રહ્યો હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.માટે તેના બદલામાં અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી બતાવવામાં આવી છે.

આ બાબતમાં વાતમાં તથ્ય હોય કે ના હોય તે તપાસનો વિષય છે પરંતુ ફાઇલોમાં અને બિલોમાં સહી કરાવવા માટે અધિકારીઓના ટેબલ ગરમ કરી અને તેમના ખિસ્સામાં કાઇક નાખવું જ પડે છે એ પણ સરકારી કચેરીઓની એક વરવી વાસ્તવિકતા છે જે સ્વીકારવી રહી.