ધ્રોલ નજીક ખારવા ગામમાં રહેતા ૩૬ વર્ષિય શ્રમિક યુવાન નું હૃદય બંધ પડી જવાના કારણે અપમૃત્યુ
જામનગર તા ૧૦, જામનગર શહેર અને જિલ્લામાં યુવા વર્ગમાં હૃદય રોગના હુમલા થી મૃત્યુના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે, જેમાં એક કિસ્સાનો વધારો થયો છે. ધ્રોલ તાલુકાના ખારવા ગામના શ્રમિક યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં રહેતા સુરેશભાઈ હિંશું નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા શોભારામ મોહનસિંગ ડાવર નામના ૩૬ વર્ષના ભીલ આદિવાસી ખેત મજૂરી યુવાનને ગઈકાલે પોતાની વાડીએ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
તેને હૃદયરોગનો હુમલો આવી જવાના કારણે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની ગુડ્ડીબાઈ શોભારામ ડાવરે પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે સરકારી હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

