દેશમાં મોંઘવારી વધવાની સાથે સાથે હવે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. એને કારણે રેપો રેટ 4.90%થી વધીને 5.40% થઈ ગયો છે, એટલે કે હવે હોમલોનથી લઈને ઓટો અને પર્સનલ બધી લોન મોંઘી થઈ જશે. પરિણામે, ગ્રાહકોનો EMI પણ વધી જશે. વ્યાજદરો પર નિર્ણય લેવા માટે 3 ઓગસ્ટથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલતી હતી. RBI ગવર્નરે શક્તિકાંત દાસે પ્રેસ-કોન્ફરન્સમાં આ વિશે જાહેરાત કરી છે.
રેપો રેટ એ વ્યાજદર છે, જેના પર બેન્કો RBI પાસેથી લોન લે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેના પર બેન્કો RBIમાં પૈસા જમા કરે છે અને RBI તેમને વ્યાજ આપે છે. અત્યારે રિવર્સ રેપો રેટ 3.35% છે. જ્યારે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે ત્યારે બેન્કો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. એનાથી EMI પણ ઘટી શકે છે. એ જ રીતે જ્યારે રેપો રેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘું થાય છે.
હોમલોનના વ્યાજદર 2 પ્રકારની હોય છે. પહેલી ફ્લોટર અને બીજી ફ્લેક્સિબલ. ફ્લોટરમાં તમારા લોનનો વ્યાજદર પહેલેથી છેલ્લે સુધી એક જ સરખો રહે છે. તેના પર રેપો રેટમાં ફેરફાર થતાં કોઈ ફેર પડતો નથી. જ્યારે ફ્લેક્સિબલ વ્યાજદર લેવાથી રેપો રેટમાં ફેરફાર થતાં તમારી લોનના વ્યાજદરમાં પણ ફેરફાર થાય છે. આમ, જો તમે પહેલેથી જ ફ્લેક્સિબલ વ્યાજદર પર લોન લીધી છે તો તમારા વ્યાજદરમાં રેપોરેટમાં જે વધઘટ થશે તેની અસર જોવા મળશે. મોનિટરી પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે.
આ નાણાકિય વર્ષની પહેલી મીટિંગ એપ્રિલમાં થઈ હતી. ત્યારે RBIએ રેપોરેટ 4% પર સ્થિર રાખ્યો હતો. પરંતુ RBIએ 2 અને 3મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને રેપોરેટ 0.40% વધારીને 4.40% કરી દીધો હતો. 22 મે 2020 પછી રેપોરેટમાં આ ફેરફાર થયા હતા. આ નાણાકિય વર્ષની પહેલી મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી. ત્યારપછી 6થી 8 જૂન વચ્ચે થયેલી મોનીટરી પોલિસી મીટિંગમાં રેપોરેટમાં 0.50%નો વધારો કરવામાં આવ્યો હતો. આ રેપોરેટ 4.40%થી વધીને 4.90% કરવામાં આવ્યો હતો. આ ઓગસ્ટમાં ફરી 0.50%નો વધારો કરવાથી હવે રેપોર્ટ 5.40% થઈ ગયો છે.