ભારતીય ક્રિકેટ ટીમ સુપર 4ની વિસ્ફોટક મેચમાં શ્રીલંકાનો સામનો કરી રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. પરંતુ શ્રીલંકાના ખેલાડીઓની સામે ટીમ ઈન્ડિયા માત્ર 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી વેલ્લાલેગે 5 અને ચરિથ અસલંકાએ 4 વિકેટ ઝડપી હતી. મહિષ તિક્ષાનાને એક વિકેટ મળી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ પણ જોડાઈ ગયો છે.
ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ
ODI ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે સ્પિન સામે તમામ 10 વિકેટ ગુમાવી છે. ટીમ ઈન્ડિયા સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલીવાર આવું બન્યું છે. જ્યારે શ્રીલંકા ભારત સહિત તમામ વિકેટ સ્પિનરોને આઉટ કરનારી પ્રથમ ટીમ બની છે. આ સાથે ટીમ ઈન્ડિયા સાથે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.
ઓપનિંગ બાદ કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો
શરૂઆતની વિકેટ માટે 80 રનની ઝડપી ભાગીદારી પછી, શ્રીલંકાના સુકાની દાસુન શનાકાએ 12મી ઓવર ફેંકવા માટે વેલ્લાલેજને સોંપ્યો. આ યુવા ખેલાડીએ પોતાના પ્રથમ બોલ પર જ શુભમન ગિલની વિકેટ લઈને યજમાન ટીમને તુરંત સફળતા અપાવી હતી. આ પછી, તેણે મધ્ય ઓવરોમાં સનસનાટીભર્યા સ્પેલ સાથે વર્ચસ્વ જમાવ્યું, જ્યાં તેણે સતત બે ઓવરોમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની મહત્વપૂર્ણ વિકેટો લીધી.
શ્રીલંકાના સ્પિનરોનો દબદબો રહ્યો
ભારતે કેએલ રાહુલ અને ઈશાન કિશનના દમ પર ચોથી વિકેટ માટે 63 રન જોડીને પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફરી એકવાર વેલ્લાલેજે 30મી ઓવરમાં રાહુલની વિકેટ લઈને ભારતને મજબૂત સ્થિતિમાં આવવા દીધું નહીં. તેણે હાર્દિક પંડ્યાને પણ આઉટ કરીને દિવસની તેની પાંચમી વિકેટ લીધી અને પછી ઈશાન પણ ચરિથ અસલંકાની ઓવરમાં આઉટ થયો. આ પછી અસલંકાએ વધુ 3 વિકેટ લઈને ભારતના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો.