ગુરુવારે રાતે રાજસ્થાનના બાડમેરમાં એક મિગ વિમાનને મોટો અકસ્માત નડ્યો હતો. દુર્ઘટના એટલી ભયાનક હતી કે મિગનો કાટમાળ અડધો કિલોમીટર સુધી વિખેરાઈ ગયો હતો. આ ક્રેશ બાડમેરના બાયતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયું છે. વિમાનમાં બે પાયલટ હતા. મીડિયા રિપોર્ટ અનુસાર દુર્ઘટનામાં બન્ને પાયલટના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.
દુર્ઘટના પહેલા MiG-21 ભીમડા ગામની આસપાસ ઉડાન ભરી રહ્યું હતું. જોકે ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટના રાત્રે અંદાજિત 9 વાગ્યા બની છે. સૂચના મળતા જ જિલ્લા કલેક્ટર, એસપી સહિત વાયુસેનાના અધિકારી ઘટના સ્થળ માટે રવાના થઇ ગયા. દુર્ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ એર ચીફ સાથે વાત કરી છે. મિગ-21 ક્રેશ થયા બાદ કેટલાક વીડિયોઝ પણ સામે આવી રહ્યા છે. તેમાં તમામ તરફ આગ અને મિગનો કાટમાળ દેખાઇ રહ્યો છે. કાટમાળની આસપાસ ઘણા લોકો પણ એકઠા થયા છે.
મિગ-21ના ક્રેશ થવાનો પહેલા પણ સામે આવતો રહે છે. બાડમેરમાં ગત વર્ષ ટ્રેનિંગ દરમિયાન પણ મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે પાયલોટ સુરક્ષિત બહાર કઢાયા હતા. આ પહેલા 21 મે 2021એ પંજાબના મોગામાં મિગ-21 વિમાન પણ ક્રેશ થયું હતું. તેમાં પાયલોટ અભિનવ શહીદ થઇ ગયા હતા. ત્યાં બાગપતના રહેવાસી હતા. તેમના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.