સંસદના શિયાળું સત્રનો આજે (6 ડિસેમ્બર) ત્રીજો દિવસ છે. આજે લોકસભામાં જમ્મુ કાશ્મીર સંબંધિત બે ઐતિહાસિક બિલ પર ચર્ચા થઈ હતી. અમિત શાહે બે બિલ રજૂ કર્યા હતા. ત્યારબાદ જમ્મુ કાશ્મીર અનામત સંશોધન અધિનિયમ 2023 અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક 2023 લોકસભામાં પાસ થયા છે.
ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જોડાયેલા 2 નવા બિલો પર ચર્ચા કરી. જેના પર વાત કરતા અમિત શાહે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા. સંબોધનમાં શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટી છે, જેને લઈને કેટલાક લોકોને પેટમાં દુઃખ્યું છે. જમ્મુ કાશ્મીર અનામત (સંશોધન) વિધેયક હવે લોકસભામાં પાસ થઈ ગયું છે.
અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અનામત સંશોધન અધિનિયમ 2023 અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક 2023 સત્તર વર્ષોથી જેના પર અન્યાય થયો, જે અપમાનિત થયા જેમને નજરઅંદાજ કરાયા તેમને ન્યાય અપાવવાનું બિલ છે. અમિતા શાહે કહ્યું કે, કલમ 370 ત્યાં 45 હજાર લોકોના મોતની જવાબદાર હતી, જેને મોદી સરકારે ઉખાડી ફેંકી છે.
અમિત શાહે આ દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની સમસ્યા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે સર્જાઈ. આખુ કાશ્મીર હાથ આવે તે પહેલા જ સીઝફાયર કરી લીધું હતું નહીતર તે ભાગ કાશ્મીરનો હોત.
અમિત શાહે કહ્યું કે, બે મોટી ભૂલ પંડિત નેહરુએ વડાપ્રધાન રહેતા કરી, જેના કારણે વર્ષો સુધી કાશ્મીરને ભોગવવું પડ્યું. જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબનો વિસ્તાર આવતા જ સીઝફાયર કરી દેવાયું અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)નો જન્મ થયો. અમિત શાહના આ નિવેદન પર સંસદમાં હોબાળો પણ કર્યો, ત્યારબાદ વિપક્ષે લોકસભાથી વોકઆઉટ કરી લીધું હતું.
હવે જમ્મુમાં 43, કાશ્મીરમાં 47 અને PoKમાં 24 બેઠકો અનામત
અમિત શાહે કહ્યું કે, જો ગુસ્સે થવું હોય તો મારા પર નહીં, નેહરુ પર ગુસ્સો કરો. ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ લોકસભાથી વોકઆઉટ કર્યું. અમિત શાહે કહ્યું કે, પહેલા જમ્મુમાં 37 બેઠકો હતી, હવે 43 છે. કાશ્મીરમાં પહેલા 46 હતી, હવે 47 છે અને PoKમાં 24 બેઠકો અનામત કરી દેવાઈ છે, કારણ કે PoK આપણું છે.
પોતાના સંબોધનમાં શાહે કહ્યું કે, બિલના નામની સાથે સન્માન જોડાયેલું છે, તેને એ જ લોકો જોઈ શકે છે, જે પોતાનાથી પાછળ રહી ગયેલા લોકોની આંગળી પકડીને સંવેદનાની સાથે આગળ વધારવા ઈચ્છે છે. તે લોકો આને નહીં સમજી શકે, જે તેનો ઉપયોગ વોટબેંક માટે કરે છે.