Site icon Meraweb

હવે ભારતીયોને પરત લાવવાની જવાબદારી ઇન્ડિયન એરફોર્સના શીરે

હવે ભારતીય વાયુસેનાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે આગેવાની લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર ‘ઓપરેશન ગંગા’  હેઠળ વાયુસેનાએ તેની પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી હતી. દેશવાસીઓને ભારતીય વાયુસેના પર વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં પરિસ્થિતિને કાબૂમાં લાવશે અને હજારો પરિવારોને રાહત આપશે.

વાયુસેનાના બે વિમાન ઉડાન ભરી
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા હિંડોન એરબેઝ પરથી ભારતીય વાયુસેનાના બે વિમાન રોમાનિયા અને હંગેરી માટે ઉડાન ભરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીયોને પરત લાવવા વાયુ સેના પણ સામેલ થઈ છે.

IAF, C-17 એરક્રાફ્ટ રોમાનિયા માટે રવાના થયું
યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના સરકારના પ્રયાસોને વધુ તીવ્ર બનાવતા, ભારતીય વાયુસેના C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આજે બુધવારે વહેલી સવારે રોમાનિયા જવા રવાના થયું હતું. વિમાને હિંડન એરબેઝ પરથી સવારે લગભગ 4 વાગે ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોની સમીક્ષા કરવા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ભારતીય વાયુસેનાને ઓપરેશનમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.

‘ઓપરેશન ગંગા’ મિશન
વાયુસેનાની ક્ષમતાઓનો લાભ લેવાથી એ સુનિશ્ચિત થશે કે ઓછા સમયમાં વધુ લોકોનું સ્થળાંતર કરી શકાશે અને માનવતાવાદી સહાયનું વધુ અસરકારક રીતે વિતરણ કરવામાં પણ મદદ મળશે. રશિયન દળોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી, ભારત સરકારે સંઘર્ષગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ શરૂ કર્યું હતું. ‘ઓપરેશન ગંગા’ મિશન હેઠળ વિશેષ ફ્લાઇટ્સ મફતમાં ચલાવવામાં આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીય નાગરિકોને લઈને આવી પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઉતરી હતી. દેશમાં અત્યાર સુધીમાં આવી ઘણી ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે.