જામનગરના માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન ગૃહમાં પૂર ના પાણી ઘૂસી ગયા હોવાથી છેલ્લા ચાર દિવસથી અગ્નિદાહની પ્રક્રિયાઓ અટકી ગઈ હતી. ગઈકાલે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે આજે સ્મશાન વ્યવસ્થા કમિટી દ્વારા યુદ્ધના ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, અને એક પછી એક બંને ભઠ્ઠી શરૂ થઈ ગઈ છે, અને અગ્નિદાહ આપવાની પ્રક્રિયાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
જામનગરના આદર્શ સ્મશાન ગૃહમાં સાતમના તહેવારના દિવસે સાંજે પડેલા ભારે વરસાદ બાદ ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયું હતું, અને બે દિવસ દરમિયાન સમગ્ર પરિસર સરોવરમાં પલટાઈ ગયું હતું.આખરે નદીના પૂરના પાણી ગઈકાલે ઓસર્યા હતા, અને આદર્શ સ્મશાન વ્યવસ્થા સમિતિના સેક્રેટરી દર્શન ઠક્કરની રાહબરી હેઠળ સફાઈ કર્મચારીઓની મોટી ફોજ ઉતારી દેવામાં આવી છે, અને યુદ્ધના ધોરણે નદીના પ્રવાહની સાથે આવેલો કચરો સાફ કરવામાં આવી રહ્યો છે.
સ્મશાનની અંદર આવેલી બંને ભઠ્ઠીઓ કે જે સંપૂર્ણપણે સાફ કરી લેવાયા પછી આજે સવારે એક ભઠ્ઠીમાં અગ્નિદાહની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી, અને બીજી ભઠ્ઠી નું પરિસર પણ સાફસૂથરૂ બનાવી દેવાયા પછી તે ભઠ્ઠીને પણ કાર્યરત કરી દેવામાં આવી છે.ચાર દિવસના વિરામ બાદ અને યુદ્ધના ધોરણે સાફ-સફાઈ તથા જરૂરી ટેકનીકલ કાર્યવાહી હાથ કરી લેવાતાં આખરે આજથી આદર્શ સ્મશાનની બંને ભઠ્ઠીઓ કાર્યરત થઈ ચૂકી છે, અને અગ્નિદાહ આપવા માટેની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવી છે.