ધુંવાવ આસપાસની અંદાજે 225 વિઘા શ્રી સરકાર થયેલી જમીન વહેંચવાના મામલે ફરીથી ‘સહારા’ ચર્ચામાં !!!

About 225 Bigha around Dhunwav in the 'Sahara' debate again in the matter of distribution of land held by Shri Sarkar !!!

  • જામનગર-રાજકોટ રોડ પર ધુંવાવ અને નગરસીમ વિસ્તારની 21 જેટલા ખેડૂતોની જમીનનો મામલો
  • વડીઅદાલતમાં પેન્ડીંગ હોવા છતાં, સહારા કંપનીએ રાજકોટની કનેરીયા નામની પાર્ટી સાથે આ જમીનનો વેંચાણ વ્યવહાર કર્યો હોવાનું જાહેર થતાં સનસનાટી:
  • સહારા કંપની વિરૂદ્ધ જામનગરમાં નોંધાશે એફઆઇઆર, પત્રકાર પરીષદમાં જાહેરાત

જામનગર તા. 5 જામનગરમાં જિલ્લા પોલીસવડાના નિવાસ સ્થાન નજીક આવેલી એક ભવ્ય હોટેલમાં ગઇકાલે બુધવારે સાંજે યોજાયેલી એક પત્રકાર પરીષદમાં જામનગરના એક વકીલે એવી જાહેરાત કરી હતી કે, સહારા નામની કંપનીએ જામનગર નજીકના ધુંવાવના 21 ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે અને જે વિવાદી જમીનનો મામલો લાંબા સમયથી વડી અદાલતમાં પડતર છે. તે જમીન રાજકોટની કોઇ પાર્ટી સાથે વેંચાણ વ્યવહારના એગ્રીમેન્ટ મારફત વેંચાણ કરી હોવાનું જાહેર થયુ છે. જે મુદ્દે ખેડૂતો વતી સહારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જામનગર નજીકના ધુંવાવના 21 જેટલા ખેડૂતો વતી અમો એડવોકેટ તરીકે સહારા ઇન્ડીયા કોમર્શીયલ કોર્પોરેશન લીમીટેડ નામની કંપની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ. કારણ કે, આ કંપની પાસેથી ધુંવાવના ખેડૂતોની જમીન વેંચાતી લેવા માટેનો એગ્રીમેન્ટ કરનાર રાજકોટની સ્મીત કુમાર પુરૂષોતમભાઇ કનરીયા નામની પાર્ટીએ તાજેતરમાં સવારના એક અખબારમાં જાહેર નોટીસ આપી છે. આ નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, આ નોટીસ જાહેર કરનાર પાર્ટી સહારા પાર્ટી પાસેથી ધુંવાવ ગામ તથા વિસ્તારની કેટલીક જમીનો વેંચાતી લેવા વ્યવહાર કરવા એગ્રીમેન્ટ કરી રહી છે.

આ અંગે એડવોકેટ નીલેશ મંગેએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિવાદમાં હાલ ધુંવાવના 21 ખેડૂતોએ અમારો સંપર્ક કર્યો છે અને આ ખેડૂતોની જમીન છેલ્લા 18 વર્ષથી વિવાદમાં છે. આ જમીન અંગે રાજયની વડી અદાલતમાં મામલો દાખલ છે અને વડીઅદાલતે સ્ટેટસ કવો એટલે કે યથાવત સ્થિતી જાળવી રાખવાનો હુકમ પણ આપ્યો છે. આમ છતાં રાજકોટની આ પાર્ટીને સહારા કંપનીને આ જમીન વહેંચી રહી છે.

જે જમીનનુ ક્ષેત્રફળ આશરે 225 વિઘા જેટલું છે. આથી ખેડૂતો વતી અમો એડવોકેટ નિલેશ મંગે સહારા કંપનીને આ મામલે નોટીસ મોકલાવીશું, કંપની વિરૂદ્ધ આઇપીસીની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરીશું. અને વડી અદાલતે આ મામલામાં અગાઉ સ્ટેટ કવો આપેલો હોવા છતાં સહારા કંપની ઉપરોકત જમીન વહેંચવાનો પ્રયત્ન કરી રહી હોય અદાલતની અવગણના એટલે કે ક્નટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ પણ સહારા કંપની વિરૂદ્ધ દાખલ કરીશું.

આ જમીન મામલે રાજકોટની જે પાર્ટીએ સવારના એક અખબારમાં જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાવી છે તે પાર્ટીનુ નામ સ્મીતકુમાર પુરૂષોતમભાઇ કનેરીયા છે. જે રાજકોટમાં કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરના સામેના ભાગમાં અડપણ કોમ્પલેક્ષમાં બીજા માળે 202 નંબરની ઓફિસ ધરાવે છે. એવું નોટીસમાં જાહેર કરવામાં આવ્યું છે.

બુધવારે સાંજે એડવોકેટ નિલેશ મંગે દ્વારા યોજવામાં આવેલી આ પત્રકાર પરીષદના પગલે એવું દેખાઇ રહ્યું છે કે, આગામી દિવસોમાં સહારા કંપનીનો આ વિવાદ ખૂબ જ ચગશે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ સહારા કંપનીનો વિવાદ જામનગરના લોકોએ જોયો છે. વર્ષોથી આ વિવાદનો કોઇ નિવેડો હજુ સુધી આવવા પામ્યો નથી.

સહારા નામ એક જમાનામાં પ્રખ્યાત થયેલું, ત્યારબાદ કુખ્યાત પણ એટલું થયું !!!

સહારા કંપની એક જમાનામાં દેશભરમાં વિ.વિ.આઇ.પી.ઓમાં લોકપ્રીય હતી. અને ઘરે ઘરે સહારાનુ નામ જાણીતું હતું. ત્યારબાદના તબકકામાં નજીકના ભૂતકાળમાં સહારા નામની આ કંપની ખુબ જ વિવાદમાં આવી હતી. અને સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી સહારા વિરૂદ્ધ અદાલતની કાર્યવાહી પણ ચાલી હતી. સુપ્રીમ કોર્ટે સહારા કંપનીને દંડ પણ કરેલો છે. અને લોકોને પરત નાણાં ચૂકવવા માટે આદેશ પણ કરેલો છે. ત્યારબાદ તાજેતરમાં એવું જાહેર થયુ છે કે, સહારા કંપનીના જે લોકોના નાણાં ફસાયેલા હોય તેઓને નાણાં પરત આપવા માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. ટૂંકમાં સહારા નામ સાથે ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. તે દરમ્યાન જામનગરમાં ધુંવાવના ખેડૂતોની આ જમીનનો એક નવો વિવાદ અચાનક કાલે બુધવારે જાહેર થતાં જામનગર સહીત સમગ્ર હાલાર ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુ એક વખત સનસનાટી મચી ગઇ છે.