ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન સંતાન પ્રાપ્તિ ન થતાં જામનગરના કારખાનેદાર યુવાનનો આપઘાત

ચાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી મનમાં લાગી આવતાં હરીપર ગામમાં ગળાફાંસો ખાધો

જામનગર તા ૨૯, જામનગરના બ્રાસ પાર્ટના એક કારખાનેદારે સંતાન પ્રાપ્તિના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. ચાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી મનમાં લાગી આવતાં હરીપરમાં પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે.

આ બનાવની વિગત એવી છે કે લાલ લાલપુર તાલુકાના હરીપર ગામના મૂળ વતની અને હાલ જામનગરમાં સહજાનંદ સોસાયટીમાં રહેતા અને બ્રાસપાટ નું કારખાનું ધરાવતા રાજેશ ધીરુભાઈ અકબરી નામના ૩૬ વર્ષના કારખાનેદાર યુવાને ગઈકાલે પોતાની હરીપર ગામમાં આવેલી વાડીમાં ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા ધીરુભાઈએ પોલીસને જાણ કરતાં લાલપુરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા, પરંતુ ચાર વર્ષ દરમિયાન તેને સંતાન પ્રાપ્ત થયું ન હોવાથી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.