જામનગર નજીક વસઈ ગામના પાટીયા પાસે આવેલ ચોકલેટની ફેક્ટરી નજીક બે યુવાનો વચ્ચે મારામારી થઈ હતી અને એક યુવાન પર છરી વડે હુમલો કરાતા તેને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યારે બીજો યુવાન છરીના ઘા મારીને ભાગવા જતા એક વાહન સાથે ટકરાઈ જતા તેનું ઘટના જ સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડતો થયો હતો અને આ બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સામત ભીમસિભાઈ વસરા નામના આહિર જ્ઞાતિના યુવાન પર મોડી રાત્રીના સમયે જામનગર શંકર ટેકરી વિસ્તારમાં રહેતા ભીમસિ આંબલીયા નામના શખ્સે છરી વડે હુમલો કર્યો હતો ત્યારબાદ છરીના ઘા ઝીંકીને ભીમસી આંબલીયા ત્યાંથી ભાગવા જતા તે એક વાહન સાથે ટકરાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું અને છરીના ત્રણ ઘા વાગ્યા હોવાથી સામતને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ સમગ્ર મામલાની જાણ થતા ડીવાયએસપી સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ જી જી હોસ્પિટલ દોડી આવી હતી અને આ બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે આરંભે હતી. મૃતક યુવાનનું અકસ્માતે મૃત્યુ છે કે પછી તેને કોઈ ઈજા થવાના કારણે તેની હત્યા થઈ છે તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનો સાચું કારણ જાણી શકાશે.