વિયેતનામની રાજધાની હનોઈમાં મંગળવારે રાત્રે નવ માળના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે કેટલાક ડઝન લોકો બળીને ખાખ થઈ ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હનોઈના થાન્હ ઝુઆન જિલ્લામાં એક એપાર્ટમેન્ટના પાર્કિંગ ફ્લોરમાં મંગળવારે રાત્રે 11.50 વાગ્યે આગ લાગી હતી. બાદમાં આ આગ ઝડપથી સમગ્ર બિલ્ડીંગને લપેટમાં લઇ લીધી હતી. ખોંગ હો સ્ટ્રીટ નજીક સાંકડી ગલીમાં બિલ્ડિંગના સ્થાનને કારણે રેસ્ક્યૂ ટીમોને પહોંચવામાં મુશ્કેલી પડી હતી.
200 ચોરસ મીટરમાં ફેલાયેલી ઈમારતમાં 150 લોકો રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે સવારે 5 વાગ્યા સુધી એપાર્ટમેન્ટમાંથી 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

જેમાંથી 54 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક મોત થયા છે. જોકે ચોક્કસ સંખ્યાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વિયેતનામની એક ન્યૂઝ એજન્સી અનુસાર, એપાર્ટમેન્ટમાં લાગેલી આગ ખૂબ જ ગંભીર હતી. બુધવારે સવારે આગ પર કાબૂ મેળવી શકાયો હતો. બચાવ ટુકડીઓ બચી ગયેલાઓને શોધી રહી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બિલ્ડિંગ સુધી પહોંચવા માટે બચાવકર્મીઓએ ઘણી મહેનત કરવી પડી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેને સૂતી વખતે ધુમાડાની ગંધ આવી હતી. તેણે બહાર જોયું તો ખબર પડી કે આગ લાગી છે. પરિવારના સભ્યોને દોરડાનો ઉપયોગ કરીને ઝડપથી નીચે લાવવામાં આવ્યા હતા. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તેણે પાંચમા અને છઠ્ઠા માળે જ્વાળાઓ સળગતી જોઈ. લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા. આ અંગે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી હતી.