નવાસારીમાં મોડીરાત્રે પાર્કિંગ બબાલ મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો સૂત્રોચ્ચાર કરનાર 300 સામે ફરિયાદ

નવસારીના દરગાહ રોડ પર વાહન હટાવવા મુદ્દે વાતનું વતેસર થતા વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. બે જૂથ વચ્ચે અથડામણ થતાં પથ્થરમારાની ઘટના સર્જાઇ હતી જેમાં 1 મહિલા ઘાયલ થઇ હતી. રવિવારે રાત્રે મોટી સંખ્યામાં હિન્દુ યુવકો રામમંદિરમાં એકઠા થયા અને ત્યારબાદ શ્રીરામના નારા સાથે દરગાહ રોડ વિસ્તારમાં પહોંચી ગયા હતા. 

આ બનાવમાં પોલીસે મુસ્લિમ યુવક અને મહિલા વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવામાં આવી રહ્યા છે . આ ઉપરાંત નારેબાજી કરનાર 300 જેટલા લોકોના ટોળા સામે એફઆઇઆઇ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

શું હતી ઘટના?

નવસારીના દરગાહ રોડ પર આવેલી પેઇન્ટર શેખની ગલીમાં રહેતા મયુરીબેન તેના પતિ વિમલભાઈ પટેલ સાથે તેમના ઘર પાસે ઉભા હતા. તે દરમિયાન આજ મહોલ્લામાં રહેતા શાહનવાઝ ભંડારી તેની બાઈક પર બેસીને નીકળ્યો હતો અને વિમલ પટેલને તેની બાઈક નડતી હોવાથી સાઈટ ઉપર હટાવી લેવાનું કહ્યું હતું. તે દરમિયાન વાદ-વિવાદ થતા શાહનવાઝે તેને ગાળો આપી અને મોબાઈલ ફોન કરીને તેના અન્ય સાગરીતોને બોલાવ્યા હતા.

થોડીવારમાં પાંચ સાગરીતો દોડી આવ્યા હતા અને વિમલ પટેલને ગાળો આપી માર મારવાની ધમકી આપી, જાતિ વિષયક અપમાન કરતી ટિપ્પણી કરી હતી. જેના પગલે બંને પક્ષો વચ્ચે તંગદિલી પ્રસરી હતી. આ બાબતે સોશિયલ મીડિયામાં કેટલાક ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયા હતા. પરિણામે રવિવારે રાત્રે હિન્દુ સંગઠનોના 200 જેટલા ટોળા નવસારી ટાઉન પોલીસ મથકે ધસી જઈને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. 

બીજી તરફ મુસ્લિમ યુવાનોના ટોળા પણ દરગાહ રોડ ઉપર ભેગા થતા પોલીસે તુરંત ચાંપતો બંદોબસ્ત ગોઠવી ટોળાઓને વિખેરી દઈ પેટ્રોલિંગ હાથ થયું હતું. આ પ્રકરણમાં પોલીસે  મયુરી વિમલભાઈ પટેલની હરિયાદ આધારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શાહનવાઝ ઈકબાલ શેખ (ઉં.વ.37, ટેક્લિનકલ સ્કૂલ ગઠીવાડ, નવસારી અને રશીદા સમદ ઉર્ફે સમદ પેન્ટર શેખ (ઉ.વ.50, સૌ. દરગાહ રોડ, મોટી દરગાહની સામે, પેન્ટર ગલી, તા.જિ.નવસારી)ની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. ગુનાની ગંભીરતા ધ્યાને લઈ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલમાં સ્થિતિમાં તંગદિલીભરી શાંતિ પ્રવર્તી રહી છે.

શહેરની શાંતિ ભંગ કરવા માટે સુનિયોજીત પ્રયાસો

નવસારી શહેરમાં નજીવી વાતનું વતેસર બનાવી કોમી શાંતિ ભંગ કરવાના સુનિયોજિત પ્રયાસો કેટલાક વખતથી થઈ રહ્યા છે. જેમાં આવા તત્ત્વોને શનિવારે રાત્રે મોકો મળી જતા તેમણે આ તકને ઝડપી પાડી હતી. આવા લેભાગુ લુખ્ખા તત્ત્વોને ઓળખીને પોલીસ સખત હાથે દબાવી શહેરને અશાંત કરવાનો કારસો અટકાવે એજ વર્તમાન સમયની માંગ છે. કહેવાય છે કે દારૂના ધંધા સાથે સંકળાયેલા તત્ત્વોની પણ આમાં સામેલગીરી છે.