ભગીરથ ટ્રેકટર સંચાલકની બેદરકારીને કારણે શોરૂમ ઉપર હાઈટેન્શન લાઈનને અડી જતા યુવકનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ

પરિવારજનોનો શોરૂમ સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ

જામનગર નજીક હાપા પાસે ભગીરથ ટ્રેક્ટર નામના શોરૂમમાં પતરાના શેડ પર રહેલ હાઈ ટેન્શન લઈને અડી જતા એક યુવાનનું મોત થયું છે , જોકે આ બનાવ સંદર્ભે બેડી મરીન પોલીસે અકસ્માતે મોત થયું હોવાની નોંધ કરી છે.

આ બનાવની વિગતવાર ચર્ચા કરીએ તો હાપા માં આવેલ ભગીરથ ટ્રેક્ટરના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરતા જલાલ ખાન નિઝાર ખાન બ્લોચ નામના 21 વર્ષીય યુવાન ગઈકાલ સાંજે શોરૂમની ઉપર ઈલેક્ટ્રીક નું કામ કરી રહ્યો હતો ત્યારે બાજુમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને હાથ અડી જતા વીજ શોક લાગવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોના આધારે પરિવારજનોએ શોરૂમ સંચાલકની બેદરકારીને કારણે યુવાનનું મોત થયો હોવાનો આરોપ લગાવ્યો છે. જોકે આ ઘટનાની જાણ થતાં બેડી મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતે યુવાનનું મોત થયું હોવાની નોંધ કરી છે.

મૃતક યુવાનના પરિવારજનોએ શોરૂમના સંચાલક સામે આરોપ લગાવતા જણાવ્યું છે કે મૃતક યુવાન શોરૂમમાં મિકેનિકનું કામ કરતો હોવા છતાં સંચાલકોએ રૂપિયા બચાવવા માટે ઈલેક્ટ્રીકનું કામ ઇલેક્ટ્રિશિયન પાસે કરાવવાના બદલે મિકેનિક પાસે કરાવતા હતા તેથી આ ગંભીર બેદરકારીના કારણે તેમનો યુવાન મોતને ભેટયો છે. તેમજ શોરૂમમાં પાવર ઓટો કટની સ્વિચ કામ કરતી ન હોવાના કારણે આ યુવાનનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જોકે આ સમગ્ર બાબતે પોલીસ તપાસ ચલાવી રહી છે અને જો આક્ષેપોમાં કોઈ તથ્ય જણાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.

શો રૂમ સંચાલકનો લૂલો બચાવ

આ અંગે રૂબરૂ પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે જ્યાં દુર્ઘટના ઘટી તે શોરૂમના સંચાલક હિતેશ પીપરોતર ને પૂછવામાં આવ્યું કે પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક કર્મચારી પાસેના કરાવવાનું કામ પણ કરાવવામાં આવ્યું છે તે અંગે આપનું શું કહેવું છે તો તેણે બેફીકરાઈથી જણાવ્યું કે અમારા ત્યાં કોઈ ફિક્સ નથી કે કોઈ કર્મચારી ફિક્સ કામ કરે બધા કામ બધા કર્મચારીઓ કરે છે અને મૃતક પણ તે જ રીતે કામ કરતા હતા.