જામનગર વૉર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા PGVCL કચેરીમાં ડંડો લઈને અધિકારીને ધમકાવવા બદલ વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ…

નગરસેવિકાને ડંડો ઉપાડવાની જરૂર કેમ પડી !!!???

જામનગર શહેરના વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા વિરોધ પીજીવીસીએલ કચેરીમાં ડંડા સાથે અધિકારીને ધમકાવી દાદાગીરીવાળું વર્તન કરવું ભારે પડ્યું છે. જેના પગલે પીજીવીસીએલના અધિકારી અજય પરમારે કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાનથી મારી નાખવાની ધમકી , લૂંટ તેમજ જાતિ સંબંધિત અપમાનિત શબ્દો બોલવા હેઠળની એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.

તારીખ 10 ઓક્ટોબર ના રોજ કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા તેમના ઘરે સોલાર ફીટ કરાવ્યું હોવા છતાં લાઈટ બિલ વધારે આવતા તેમના દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે ડંડો લઈને જઈ અને હોબાળો મચાવ્યો હતો. રચનાબેન નંદાણીયાની ફરિયાદ એવી છે કે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ નહોતું કરાવ્યું ત્યારે તેમના ઘરે અંદાજિત 7500 જેટલું બિલ આવતું હતું. ત્યારબાદ બિલની રકમ ઘટાડવા અને તેમાંથી રાહત મેળવવા માટે તેમણે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવ્યું સોલાર ફીટ કરાવ્યા બાદ તેમનું લાઈટ બિલ 8500 આવતા તેઓ ડંડો લઈને pgvcl કચેરી ખાતે પહોંચી ગયા હતા. રચનાબેનનો આક્ષેપ છે કે તેમના ઘરે તેમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર ફીટ કર્યું હોવાથી તેમને આ વધુ લાઈટ બિલનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતકાળમાં સ્માર્ટ મીટર લાગવાના શરૂ થયા ત્યારે લોકોનો પક્ષ લઈને તેઓ પીજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા તે બાબતનો ખાર રાખીને પીજીવીસીએલના અધિકારીઓએ તેમના ઘરે સ્માર્ટ મીટર લગાડ્યું હોવાનો આક્ષેપ રચનાબેન દ્વારા કરવામાં આવ્યો છે. 

તો બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનું કહેવું છે કે તેમની કોઈપણ રજૂઆત હોય તો તેઓ લેખિત રીતે અથવા તો મૌખિક રીતે શાંતિથી રજૂઆત કરી શકે છે પરંતુ અણછાજતું વર્તન તેમના દ્વારા કરવામાં આવ્યું છે તેમજ અધિકારીનો ફોન જૂઠવી લઈ અને તેમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તેમના ઘરના વપરાશ પ્રમાણે તેમને લાઈટ બિલ આવ્યું હોય તેવું અધિકારી કહી રહ્યા છે. 

નગરસેવિકાને ડંડો ઉપાડવાની જરૂર કેમ પડી !!!???

પીજીવીસીએલના અધિકારીઓ સાથે નગરસેવિકા દ્વારા કરવામાં આવેલું વર્તન અયોગ્ય છે , ડંડો લઈને જે ધમકાવવામાં આવ્યા તે વર્તનને ક્યારેય સમર્થન ન હોઈ શકે પરંતુ સ્માર્ટ મીટરના કારણે અનેક લોકો પરેશાન છે તે પણ એક હકીકત છે. લોકોને સોલાર સિસ્ટમ ફીટ કરાવ્યા બાદ પણ વધુ પડતું લાઈટ બિલ આવે છે તેવી અનેક વ્યાપક ફરિયાદો શહેરભરમાં ઉઠી રહી છે. અનેક વખત પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા કોઈ પણ લોકો જાય ત્યારે તેમની સમસ્યાનું સમાધાન નથી થતું તે પણ એક નગ્ન વાસ્તવિકતા છે. 

એક સામાન્ય માણસ જ્યારે તેના ઘરનું ગુજરાન મહામુસીબતે ચલાવતો હોય ત્યારે આટલા મોટા લાઈટ બિલો તે સામાન્ય માણસોની કમર તોડી નાખે છે તે વાસ્તવિકતા છે. એક તરફ રચનાબેન નંદાણીયાના વર્તનને લઈ અને અમુક લોકો ટીકા કરી રહ્યા છે તો અમુક લોકો તેમના આ વર્તનને યોગ્ય પણ ગણાવી રહ્યા છે. આપ આ વર્તનને લઈને શું માનો છો તે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો.