કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી હોસ્પિટલમાં રેસીડેન્સી ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે.
તબીબી ડૉક્ટરો ઓપીડી તેમજ વોર્ડ સર્વિસથી અડગા રહ્યા હતા અને કોલકતાની ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ દર્દીઓને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે.રેસિડેન્સી ડોક્ટર દ્વારા મેડિકલ કોલેજથી લઈને જીજી હોસ્પિટલ સુધી રેલી યોજી હતી. સાથે સાથે હોસ્પિટલની અંદર લોબીમાં પણ સૂત્રોચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેસીડેન્સી ડોક્ટરોએ કોલકતામાં ટ્રેની ડોક્ટર પણ દુષ્કર્મ અને હત્યાની ઘટના મામલે તેને ન્યાય મળે તેવી માંગ કરી છે. તેમજ જ્યા સુધી તેને ન્યાય નહીં મળે ત્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવામાં આવશે અને માત્ર ઇમરજન્સી સેવામાં જ રેસિડેન્ટ ડોક્ટરો જોડાશે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી હોસ્પિટલમાં દર્દીઓને કોઈપણ હાલાકી નો સામનો ન કરવો પડે અને દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે જીજી હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રોફેસર ડોક્ટર અને અન્ય વિભાગના ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવા કાર્યરત કરવામાં આવી છે.