રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયોનો ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકો કરવામાં આવી રહી છે. આજે (21મી એપ્રિલ) રાજકોટમાં એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાની ચૂંટણી સંદર્ભે જામનગરમાં ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં જામનગરની એક ખાનગી હોટલમાં ભાજપની ખાનગી બેઠક મળી. ખાનગી બેઠકમાં સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા ખાનગી બેઠકમાં અનેક ચર્ચાઓ કરવામાં આવી.
ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનો સાથે પણ બેઠક કરવામાં આવી હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો.
રાજકોટની ખાનગી હોટલમાં મળી બેઠક સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટમાં ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધરાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ અંગેની ટિપ્પણી ભાજપ પક્ષ માટે પણ ચિંતાનો વિષય બની છે. ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ-2 શરૂ થઈ ચૂક્યો છે. નવી રણનીતિ અનુસાર, ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ નેતાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે હવે સાબરકાંઠામાં ક્ષત્રિય સમાજનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. અહીં ભાજપના નેતાઓ અને ક્ષત્રિયો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તો ભાજપના ધારાસભ્ય રમણ વોરાને પણ ધક્કે ચડાવાયા હતા.