ઈસ્લામિક સ્ટેટ ખેરસોને (ISKP) રશિયા પર હુમલો કર્યા બાદ હવે ભારતને ધમકી આપી
ISKP Threat to india | ઈસ્લામિક સ્ટેટ ખેરસોને (ISKP) રશિયા પર હુમલો કર્યા બાદ હવે ભારતને ધમકી આપી છે. ધ ઈસ્લામિક સ્ટેટ વિલ એન્ડ્યોર ટાઈટલ હેઠળ છપાયેલા એક લેખમાં ISKP ને ખતમ કરી નાખ્યાના તાલિબાનના દાવાની મજાક બનાવાઇ હતી. આ લેખમાં કહેવાયું હતું કે ISKPએ અફઘાનિસ્તાનથી ઈરાનની ધરતીને લોહીલુહાણ કરી નાખી. ISKP ખેરસોનમાં મજબૂત થઇ રહ્યું છે. એવી ધમકી પણ અપાઈ કે દુનિયાના બિનમુસ્લિમ દેશો અને ઈસ્લામિક દેશોમાં કઠપૂતળી બની ગયેલા લોકો દ્વારા મુસ્લિમો પર કરાયેલા અત્યાચારોની કિંમત ચૂકવવી પડશે.
કયા કયા દેશ છે ટારગેટ પર…
આ લેખ ખેરસોનના વૉઈસ ઓફ ખેરસોન મેગેઝિનની નવી એડિશનમાં છપાયો હતો. આ મેગેઝિનના એક અન્ય લેખ ધ સ્પાઈડર હાઉસમાં ISKP એ ચેતવણી આપી હતી કે અમે જલદી જ અમેરિકા, યુરોપ, ચીન, ભારત અને ઈરાન સુધી પહોંચવાના છીએ.
ભારત વિશે શું લખ્યું છે લેખમાં?
વૉઈસ ઓફ ખેરસોન મેગેઝિનમાં ધ ઈન્ડિયન કિંગ્સ એન્ડ તાલિબાન સર્વેન્ટ્સ ટાઈટલ હેઠળ એક લેખમાં લખ્યું છે કે અમે ભારતમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવીશું. તેમાં ભારત અને તાલિબાન વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત ISKPએ પાકિસ્તાનને પણ ચેતવણી આપી હતી કે અફઘાનિસ્તાનમાં થયેલા નાગરિકોના મૃત્યુનો જલદી જ બદલો લઈશું. ઉલ્લેખનીય છે કે રશિયામાં મૉસ્કોમાં એક કોન્સર્ટ હોલ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી ISKPએ જ સ્વીકારી હતી જેમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.