દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અંબાણીને તેમના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકી મળી છે. ઈમેલ મોકલનારએ કહ્યું છે કે તેની પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે. 20 કરોડ નહીં ચૂકવો તો મારી નાખીશું. આ મેઇલ 27 ઓક્ટોબરે મોકલવામાં આવ્યો હતો. મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી છે. તપાસ કરવામાં આવી રહી છે કે ધમકી આપનાર કોણ છે? ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે “IF you don’t give us 20 crore rupees, we will kill you, we have the best shooters in india.” (જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે).
પોલીસે FIR નોંધી, ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધ તેજ કરી
આ ઈમેલ મળ્યા બાદ, મુકેશ અંબાણીના સિક્યુરિટી ઈન્ચાર્જની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 387 (જાનથી મારી નાખવાની ધમકી આપીને છેડતી) અને 506 (2) (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધી અને કાર્યવાહી શરૂ કરી. તપાસ શરૂ કરી છે. જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો છે તે આઈપી એડ્રેસ કાઢવામાં આવી રહ્યું છે.
મુકેશ અંબાણીને અગાઉ પણ ધમકીઓ મળી હતી
આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકીઓ અને ખંડણીની ધમકી મળી હોય. આ વર્ષની શરૂઆતમાં, ફેબ્રુઆરી મહિનામાં, એક વ્યક્તિએ નાગપુર પોલીસના કંટ્રોલ રૂમને ફોન કરીને મુકેશ અંબાણીના ઘર “એન્ટીલિયા”ને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી તરત જ પોલીસે એન્ટિલિયાની સુરક્ષા વધુ કડક કરી દીધી હતી.
આ પહેલા પણ અંબાણીને આવી ધમકીઓ મળતી રહી છે. તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ છે અને ભારતમાં સૌથી વધુ કરદાતા છે. તેથી, સરકાર તેમની સુરક્ષાને લઈને ઘણી સજાગ રહે છે.