ગુજરાત ભાજપના ધારાસભ્યોને નો-રિપીટ થિયરીનો ડર સતાવી રહ્યો છે. પહેલાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ એવું નિવેદન આપ્યું હતું કે પાર્ટી ટિકીટ આપશે તો ચૂંટણી લડીશ, નહીં આપે તે ભાજપને જીતાડવામાં કામે લાગી જઇશ. એવી જ રીતે વડોદરા જિલ્લાની સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર કહે છે કે જો પાર્ટી નો-રિપીટ થિયરી અપનાવે તો ઠીક છે, નહીં તો મારી ટિકીટ પાક્કી છે. મહત્વનું છે કે સાવલીની બેઠક ભાજપ કરતાં કેતન માટે વધુ પ્રભાવી છે. પાર્ટી તેમને ટિકીટ ન આપે તો પણ તેઓ અપક્ષ તરીકે ચૂંટાઇ શકે તેવા મજબૂત કેન્ડિડેટ છે.
વાઘોડિયાના ધારાસભ્યએ તો એલાન કરી દીધું છે કે હું ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી લડવાનો છું. ગુજરાત ભાજપ અત્યારે બે જૂથમાં વહેંચાયેલું છે. પૂર્વ સરકારના મંત્રીઓને ભય છે કે તેમને ટિકીટ મળવાની નથી. પાર્ટી સૂત્રોએ જ્યારે એવું કહ્યું છે કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરના સંજોગોમાં ૬૦ ટકાથી વધુ ધારાસભ્યો કપાશે ત્યારે મુખ્યમંત્રી સિવાયના તમામ ધારાસભ્યોને ટિકીટ નહીં મળવાનો ડર સતાવી રહ્યો છે.
જે ધારાસભ્યોની ટિકીટ કપાશે તેમના માટે નવો વિકલ્પ ખૂલી ગયો છે અને તે આમ આદમી પાર્ટીનો છે. આ પાર્ટી પાસે મજબૂત ઉમેદવારો નથી તેથી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની નજરમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વસેલા છે. જો કે કેજરીવાલે ગુજરાતની ૧૮૨ બેઠકો પૈકી ૧૯ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે