આજે એક મહત્વનો ચુકાદો કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે બેનામી સંપતિને લઈ મોટી વાતકરી છે. સાથે જ બંધારણની કલમ ૨૦ (૩)નું સ્પષ્ટ અર્થઘટન પણ કર્યું છે. ૨૦૧૬માં કરાયેલા સુધારાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરી છે કે, પાછલી અસરથી બેનામી સોદા માટે જેલની પરાણે લદાયેલી જોગવાઈને માન્યતા ના આપી શકાય તેમ જણાવ્યુ છે. આ કાયદાને પાછલી અસરથી અમલી બનાવવાના સુધારાને સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૨૦ (૩)નો ભંગ ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બહુ મોટો ચુકાદો આપીને બેનામી લેવડદેવડ બદલ જેલની સજાની જોગવાઈની ગેરબંધારણીય ગણાવીને રદ કરી નાંખી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન.વી. રમનાના વડપણ હેઠળની બેંચે ઠરાવ્યું છે કે, આ કાયદો ગેરબંધારણીય છે કેમ કે સિધ્ધાંતોને ધ્યાનમાં લીધા વિના અતાર્કિક રીતે બનાવાયેલો છે.

જોકે આ કાયદાને ઘણી હાઈકોર્ટમાં પડકારાયો હતો. કોલકાત્તા હાઈકોર્ટે આ કાયદાને સંભાવનાઓ પર આધારિત ગણાવીને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમા પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે એક કદમ આગળ વધીને ૧૯૮૮ના કાયદાની જ કલમ ૩(૨)ને ગેરબંધારણીય ગણાવી દીધી છે. મૂળ કાયદાની જોગવાઈ જ ગેરબંધારણીય હોય તો પછી તેમાં સુધારાનો મતલબ નથી એ જોતાં ૨૦૧૬માં કરાયેલો સુધારો પણ આપોઆપ ગેરબંધારણીય ઠરી ગઈ છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ઐતિહાસિક છે કેમ કે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૨૦ (૩)નું સ્પષ્ટ અર્થઘટન કરી દીધું છે. ૨૦૧૬માં કરાયેલા સુધારાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી કરી છે કે, પાછલી અસરથી બેનામી સોદા માટે જેલની સજા જેવી પરાણે લદાયેલી જોગવાઈને માન્યતા ના આપી શકાય. આ કાયદાને પાછલી અસરથી અમલી બનાવવાના સુધારાને સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૨૦ (૩)ના ભંગ સમાન ગણાવી છે. કલમ ૨૦ (૩) પ્રમાણે, કોઈ પણ વ્યક્તિને એવા કૃત્ય માટે દોષિત ના ઠેરવી શકાય કે જે કૃત્ય થયું ત્યારે તેને ગેરબંધારણીય કે સજાપાત્ર ગણાવતો કાયદો અમલમાં હોય, એ કૃત્ય અપરાધ ગણતો કાયદો અમલમાં હોય. કૃત્ય કરાયું ત્યારે અમલી કાયદા હેઠળ જ વ્યક્તિને દંડ ફટકારી શકાય. કાયદો અમલમાં જ ના હોય એ સંજોગોમાં તેને દંડ પણ ના કરી શકાય. રાજીવ ગાંધી સરકાર આ કાયદો બનાવ્યો ત્યારે જ તેમાં બહુ બધી ખામીઓ હતી. બેનામી લેવડદેવડ કોને કહેવાય તે વિશે કોઈ સ્પષ્ટતા નહોતી ત્યાંથી માંડીને બેનામી લેવડદેવડ અંગેની કાર્યવાહી કરવા માટે સક્ષમ સત્તાધીશ કે એજન્સી કોણ એ વિશે પણ ફોડ નહોતો પડાયો. કલમ ૩ (૨) હેઠળ સજાની જોગવાઈ તો કરી દીધી પણ તેનો કેસ ક્યાં ચાલશે ને કોણ તપાસ કરશે એ સહિતની કોઈ સ્પષ્ટતા મૂળ કાયદામાં નહોતી.





















