દેશ ભરમાં આઝાદીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. એમાં પણ આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસના જશ્નમાં આતંકીઓએ ખલેલ પહોંચાડવાનો હિન પ્રયાસ કર્યો છે. આતંકીઓએ અડધી કલાકની અંગર બે અલગ-અલગ જગ્યાએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે આતંકીઓએ બડગામના ગોપાલાપુરા ચાડૂરા વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં કરણ કુમાર સિંહ નામનો વ્યક્તિ ઘાયલ થઈ ગયો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં નાકાબંધી કરી લેવામાં આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સાંજે બડગામ જિલ્લાના ગોપાલપોરા ગામમાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આ વિસ્ફોટમાં ગોપાલપોરા નિવાસી અનુલ કુમારનો પુત્ર કરણ સિંહ ઈજાગ્રસ્ત થઈ ગયો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેની સ્થિતિ સ્થિર જણાવી છે.
ત્યારબાદ કાશ્મીર ઝોન પોલીસે 9.35 કલાકે ટ્વીટ કરી જણાવ્યું કે આતંકીઓએ શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમ પર ગ્રેનેડ ફેંક્યું છે. આ હુમલામાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ છે. આ વિસ્તારમાં પણ ઘેરાબંધી કરવામાં આવી છે.