ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 25 જૂન 1983ની તારીખ સુવર્ણ અક્ષરે લખવામાં આવી છે. કારણકે આ ભારતીય ક્રિકેટનો ઐતિહાસિક દિવસ હતો. આ દિવસે દિગ્ગજ ખેલાડી કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે તે કરિશ્માને પૂર્ણ કર્યો, જેનુ સપનુ આ ખેલાડીઓએ વર્ષો પહેલા જોયુ હતુ. આજના દિવસે 1983માં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડીઝને હરાવીને પહેલો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. સીરીઝને જીતાડવામાં ઘણા ભારતીય ખેલાડીઓએ અદ્વિતીય યોગદાન આપ્યું. આવો અમે તમને જણાવીએ 1983ના એવા હીરો વિશે જે અત્યારે શું કરી રહ્યાં છે.
કપિલ દેવ
1983ના વર્લ્ડ કપની જ્યારે પણ વાત થાય છે તો કપિલ દેવ તેના સૌથી મોટા હીરો મનાય છે. તેમણે પોતાની કેપ્ટનશિપમાં ભારતને પહેલો વર્લ્ડ કપ જીતાડ્યો. ફાઈનલ મેચમાં તેમણે ભલે માત્ર 15 રન બનાવ્યાં. પરંતુ નોકઆઉટ મેચમાં ઝીમ્બાબ્વે સામે અણનમ 175 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. એટલું જ નહીં, વેસ્ટ ઈન્ડીઝ સામેની ફાઈનલ મેચમાં તેમણે 11 ઓવરમાં 21 રન આપી એક વિકેટ પણ લીધી હતી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પણ કપિલ દેવનો ક્રિકેટ સાથે સંબંધ ક્યારેય તુટ્યો નથી. તેઓ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યાં છે. જો કે, 2020માં હાર્ટ એટેક બાદ તેમની એન્જિયોપ્લાસ્ટી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
સુનીલ ગાવસ્કર
83ના હીરોની જ્યારે વાત કરીએ તો તેમાં સુનીલ ગાવસ્કરનુ નામ મહત્વનુ છે. તે ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટર રહી ચૂક્યા છે. જો કે, ફાઈનલ મેચમાં તે માત્ર 2 રન બનાવી આઉટ થયા હતા. પરંતુ તેમણે પોતાના ક્રિકેટ કારકિર્દીમાં 13 હજારથી વધુ રન બનાવ્યાં હતા. અત્યારે તેઓ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરે છે અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય રહે છે.
યશપાલ શર્મા
યશપાલ શર્મા ભારતીય ક્રિકેટ ટીમના એક આક્રમક બેટર હતા. તેમણે 1983 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં 11 રન પોતાના નામે કર્યા હતા. પરંતુ આ શ્રેણીમાં તેમણે બે અર્ધસદી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, 13 જુલાઈ 2021ના રોજ હાર્ટ એટેકને પગલે યશપાલ શર્માનુ નિધન થયુ હતુ.
રવિ શાસ્ત્રી
1983 વર્લ્ડ કપમાં રવિ શાસ્ત્રી એક ઓલરાઉન્ડર તરીકે જોવા મળ્યાં હતા. તેમણે 1992માં ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. પરંતુ તેનો સંબંધ ક્રિકેટમાંથી ક્યારેય છૂટ્યો નથી. તેઓ 2021 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ પણ રહી ચૂક્યા છે.