દેશમાં પહેલી વાર થઈ રહેલી 5જી ટેલિકોમ સ્પેક્ટ્રમની નિલામીના પહેલા દિવસે મંગળવારે રૂ. 1.45 લાખ કરોડથી વધુ બોલી મળી છે. કેન્દ્રીય સંચારમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકારને 700 મેગાહર્ટ્સ બેન્ડની ફ્રીક્વન્સીમાં પણ બોલીઓ મળી છે. સ્પેક્ટ્રમ વહેંચણી પ્રક્રિયા 15 ઓગસ્ટ સુધી પૂરી થઈ જશે. આ વર્ષના અંત સુધીમાં 5જી સર્વિસ શરૂ થઈ જવાની પણ અમને આશા છે.
દેશમાં સ્પેક્ટ્રમ ખરીદવાની દોડમાં રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અદાણી ડેટા નેટવર્ક જેવી અગ્રણી કંપનીઓ સામેલ છે. આ નિલામીમાં સરકારે રૂ. 4.3 લાખ કરોડના 72 ગીગાહર્ટ્સ સ્પેક્ટ્રમને વેચવા રાખ્યાં છે. તેની વેલિડિટી 20 વર્ષ સુધી રહેશે. આ નિલામીમાં સફળ થનારી કંપની 5જી સર્વિસ આપી શકશે.
નિષ્ણાતોનો દાવો છે કે, 5જી સર્વિસ 4જી સર્વિસથી આશરે દસ ગણી વધુ ઝડપી હશે. આ નિલામી વિવિધ લૉ ફ્રીક્વન્સી બેન્ડ, મીડિયમ અને હાઈ ફ્રીક્વન્સી બેન્ડ રેડિયો વેવ્સ માટે છે. જેમ કે, સ્પેક્ટ્રમની નિલામી લૉ ફ્રીક્વન્સીના બેન્ડમાં 600 મેગાહર્ટ્સ, 700 મેગાહર્ટ્સ, 800 મેગાહર્ટ્સ, 900 મેગાહર્ટ્સ, 1800 મેગાહર્ટ્સ, 2100 મેગાહર્ટ્સ, 2300 મેગાહર્ટ્સ, મિડ ફ્રીક્વન્સી બેન્ડમાં 3300 મેગાહર્ટ્સ અને હાઈ ફ્રીક્વન્સી બેન્ડમાં 26 મેગાહર્ટ્સમાં આયોજિત કરાઈ છે.
ટેલિકોમ નિષ્ણાત મહેશ ઉપ્પલના મતે 5જી સ્પેક્ટ્રમની નિલામીમાં કંપનીઓએ રસ તો લીધો છે, પરંતુ તેઓ વધુ આક્રમકતા નથી બતાવતી. તેનું સૌથી મોટું કારણ એ છે કે માંગથી વધુ સ્પેક્ટ્રમની નિલામી આયોજિત કરાઈ છે. આ સ્થિતિમાં તમામ કંપનીઓને જરૂરિયાતને લાયક સ્પેક્ટ્રમ મળી જવા જોઈએ. આ સ્થિતિમાં નિલામી એક-બે દિવસથી વધુ નહીં ચાલે એવી શક્યતા છે.