ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે કૃષિ પાકને થયેલા નુકસાનીમાં ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવામાં આવશે. ખેડૂતોના પાકને 33%થી વધુ નુકસાનીમાં જ સરકાર સહાય ચૂકવશે.તે માટે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે પણ શરૂ કરી દેવાયો છે.હાલમાં કેટલાંક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી અટકી પડી છે. ખેડૂતોને 33%થી વધુ નુકસાની હોવા પર વિશેષ સહાય પેકેજની સરકાર દ્વારા વિચારણા કરવામાં આવશે. રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી થશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવામાં આવશે.
આ સાથે બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસોથી મેઘ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ખૂબ વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન થતું જોવા મળ્યું છે. જેને લઈને કૃષિ વિભાગે નુકસાનીનો સર્વે કરવા આદેશ આપ્યો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરવામાં આવશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે