ગુરુવારે એશિયા કપ 2023માં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે સુપર 4 રાઉન્ડની રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની હાર સાથે, એશિયા કપમાં તેમની ટીમની સફર અહીં સમાપ્ત થઈ ગઈ અને શ્રીલંકાએ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે કોલંબોમાં મેચ રમાશે. દરમિયાન, પાકિસ્તાનના કારણે ચાહકોનું એક સપનું પૂરું થઈ શક્યું નથી. ચાહકો 39 વર્ષથી આની રાહ જોઈ રહ્યા છે.
આ રેકોર્ડ પાકિસ્તાનના કારણે તૂટ્યો નથી
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં શ્રીલંકાએ 2 વિકેટે જીત મેળવી હતી. આ મેચના છેલ્લા બોલે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનની હારને કારણે રેકોર્ડ તોડી શકાયો નથી. તમને જણાવી દઈએ કે જો પાકિસ્તાન આ મેચ જીતી ગયું હોત તો રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હોત. પરંતુ આ થઈ શક્યું નહીં.
ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ જોવા માંગતા હતા. એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી, પરંતુ અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાઈ નથી. 39 વર્ષમાં ભારત શ્રીલંકા અને બાંગ્લાદેશ સાથે ફાઈનલ રમ્યું છે, પરંતુ પાકિસ્તાન સાથે રમ્યું નથી. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપમાં 9મી ફાઈનલ રમાશે.
કેવી રહી મેચ?
એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં શ્રીલંકાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે આ મેચ માત્ર 42 ઓવરની કરવામાં આવી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42 ઓવરમાં 252 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદે બીજી ઈનિંગમાં વિક્ષેપ પાડ્યો હતો અને DLSના નિયમો મુજબ શ્રીલંકાને 42 ઓવરમાં 252 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. શ્રીલંકાએ બીજી ઇનિંગના છેલ્લા બોલે 8 વિકેટ ગુમાવીને 252 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શ્રીલંકાની ટીમ હવે એશિયા કપમાં સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી છે. તેણે વર્ષ 2022માં એશિયા કપની ફાઈનલ પણ રમી હતી અને તે જીતી હતી.