20 જેટલા ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન, જામનગર જિલ્લાના આ ધારાસભ્ય પર છે ભાજપની નજર

ગુજરાતમાં ભાજપે 150 બેઠકોનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે કમર કસી છે અને 20 હજારથી વધુ બુથોને મજબુત કરવાનો પ્લાન બનાવ્યો છે. સાથે સાથે કોંગ્રેસના ધારાસભ્યોને પણ તોડવાનો સમાંતર પ્લાન બનાવ્યો છે. હાલ એક એક સીટની પેજ સમિતિ પર ચર્ચા ચાલે છે અને નબળાં બુથોની યાદી અલગ તારવવામાં આવી રહી છે. 2017માં જે બુથો ઉપર ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું તેવા બુથોને તો મજબુત કરવામાં આવી રહ્યા છે. સાથે 20થી વધુ એવી સીટો જ્યા ભાજપે જીત તો હાંસલ કરી હતી પણ ત્યાં જીતનું માર્જીન ઓછુ હતું તેવા 15 હજાર કરતા વધુ બુથોને મજબુત કરવાની કામગીરી શરુ કરી દેવાઇ છે.

સૂત્રોનું માનવામાં આવે તો 20 જેટલા ધારાસભ્યોને હજુ પણ ભાજપમાં લાવવાનો પ્લાન છે તેમાં પાટણના ધારાસભ્યનું મિશન પાર પડવાને હાથ વેંતની વાર હોવાની ચર્ચા છે. આ બુથો પર સામાજિક આગેવાનો, સાધુ સંતોની મદદ લેવાઇ રહી છે. થોડા દિવસ પહેલા પ્રદેશ અઘ્યક્ષ, સંગઠન મંહામંત્રી રત્નાકરજી, સહિત પક્ષના વરિષ્ઠ આગેવાનોની બેઠક યોજાઇ હતી, જેમાં સંઘના પણ પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાતની રાજકિય અને સામાજિક સ્થિતિ બાબતે ચર્ચા થઇ.

જેમાં 182 સીટો કઇ રીતે જીતી શકાય તેને લઇને રણનીતિ નક્કી કરાઇ છે. જેમાં કોગ્રેસના મજબુત ધારાસભ્યો જેમને ભાજપના નેતાઓ ન હરાવી શક્યા તેવા પ્રજા વત્સલ, જનાધારવાળા કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપમાં કઇ રીતે લાવી શકાય તેને લઇને મંથન કરાયુ છે. ભાજપ દ્વારા ક્યાં ક્યાં ધારાસભ્યોને સમાવવાનો પ્લાન છે અને જો સૂત્રોની વાત માનવામાં આવે તો કિરીટ પટેલ-પાટણ, સી.જે.ચાવડા ઉર્ફે ચતુરસિંહ ચાવડા- ગાંધીનગર ઉત્તર, નિરંજન પટેલ-પેટલાદ, બળદેવજી ઠાકોર- કલોલ, અશ્વિન કોટવાલ-ખેડબ્રહ્મા, સંતોકબેન અરેઠીયા-રાપર, શૈલેષ પરમાર દાણીલિમડા, સુનિલ ગામીત-વ્યારા, રાજેન્દ્રસિંહ પરમાર- બોરસદ, અમરીશ ડેર- રાજુલા, ઇન્દ્રજીતસિંહ ઠાકોર-મહુધા,મહેશ પટેલ- પાલનપુર, કનુભાઇ બારૈયા- તળાજા, વિમલ ચુડાસમા-ગીર સોમનાથ, ડાભી કાળા ભાઇ રૈઇજી ભાઇ-કપડવંજ રાજેશ ભાઇ ગોહિલ- ધંધુકા,જશપાલસિંહ પઢીયાર – પાદરા, ચિરાગ કાલરીયા – જામજોધપુર , પ્રવિણ મુસડીયા- કાલાવડ, પ્રતાપ દુધાત-સાવરકુંડલા…કોંગ્રેસના આ ધારાસભ્યોને મનાવવા માટે સાધુ સંતો , સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓની પણ મદદ લેવાઇ રહી છે, પરંતુ આમાંથી કેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે તે તો આવનારો સમય જ કહેશે.