Site icon Meraweb

રશિયાને ફટકો / વિવિધ દેશોએ જાસૂસ ગણીને 400 જેટલા એમ્બેસી કર્મચારીઓને પોતાના દેશમાંથી કાઢી મુક્યા

યુક્રેન પર હુમલો કર્યા પછી રશિયાને શું લાભ થયો એ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. બીજી તરફ રશિયાને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. 500થી વધારે મલ્ટિનેશનલ કંપનીઓ રશિયામાંથી પોતાનો બિઝનેસ સંકેલી ચૂકી છે. એટલું ઓછું હોય એમ વિવિધ દેશોએ પોતાને ત્યાં રહેલા રશિયન એમ્બેસી અધિકારીઓને કાઢી મુક્યા છે. યુક્રેન યુદ્ધ શરૃ થયું ત્યારથી આજ સુધીમાં 400 જેટલા કર્મચારીઓને વિવિધ દેશોએ કાઢી મુક્યા છે.જગવિખ્યાત મેગેઝિન ધ ઈકોનોમિસ્ટના ડિફેન્સ એડિટર શશાંક જોશીએ ટ્વિટર પર આ તમામ દેશોની વિગતો મુકી છે. એ પ્રમાણે ક્યા દેશે પોતાને ત્યાંથી કેટલા રશિયન કર્મચારીઓને રવાના કર્યા તેનું લિસ્ટ આ મુજબ છે.

દરેક દેશ બીજા દેશમાં એલચી એટલે કે એમ્બેસી ઓફિસ ધરાવતો હોય છે. એમ્બેસીમાં રહેલા અધિકારીઓ ઘણા વિશેષાધિકારો ભોગવતા હોય છે. આ વિશેષાધિકારોને કારણે તેમની બહુ તપાસ થઈ શકતી નથી. એવા સંજોગોમાં જ્યારે વાંધો પડે ત્યારે આવા કર્મચારીઓને પોતાના દેશમાંથી કાઢી મુકવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી.

એમ્બેસી ઓફિસમાં જાસૂસો ગોઠવવાનો સિરસ્તો બહુ જૂનો છે. અમેરિકા-રશિયાના કોલ્ડવોર વખતે તો એલચી કચેરી જાસૂસીનો અડ્ડો જ બની રહેતી હતી. અત્યારે પણ એલચી કચેરીનો વત્તા-ઓછા અંશે જાસૂસી માટે ઉપયોગ થતો હોય છે. રશિયાની જાસૂસી સંસ્થા કેજીબી આખા જગતમાં કુખ્યાત છે. પુતિન ખુદ કેજીબીના જાસૂસ રહી ચૂક્યા છે. રશિયા તો વળી તેના જગવ્યાપી જાસૂસી નેટવર્ક માટે જાણીતો દેશ છે. રશિયા પાસે 3 મોટી જાસૂસી સંસ્થાઓ છે. અન્ય કોઈ પણ દેશ કરતા પરદેશમાં રશિયાના જાસૂસો સૌથી વધારે છે.

આ પૈકી કેટલા ખરેખર જાસૂસો હશે એ તપાસનો વિષય છે. પરંતુ ઘણા જાસૂસો હોય એવી પુરી શક્યતા છે. આ જાસૂસોની હકાલપટ્ટીને કારણે રશિયાને માહિતી મળતી બંધ થઈ હશે. યુદ્ધ શરૃ થયું ત્યારથી રશિયાને વિવિધ નુકસાન થઈ રહ્યું છે. આબરુનું ધોવાણ થઈ રહ્યું છે. એમાં આ એક વધારે મોટું નુકસાન છે.